જામનગરના ત્રણ યુવા ક્રિકેટરો જય રાવલિયા, પુષ્પરાજ જાડેજા અને પુષ્કર કુમારની ઇન્ડિયા અન્ડર-19 નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.
આ ત્રણેય ખેલાડીઓએ ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર U-19 ટીમ અને પ્રતિષ્ઠિત જયહિંદ ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડ દેખાવમાં તેમની સતત સારી રમતને કારણે સિલેક્ટરોનું ધ્યાન ખેંચાયું હતું.
આ ખેલાડીઓની સફળતામાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમણે વર્ષોથી આ યુવા ક્રિકેટરોને નિયમિત અને વ્યાવસાયિક તાલીમ આપી છે, જેના પરિણામે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી શક્યા છે.

જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરતભાઈ મથ્થરે જણાવ્યું હતું કે, “આ ત્રણેય ખેલાડીઓની પસંદગી સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. તેમની મહેનત, લગન અને શિસ્ત પ્રશંસનીય છે. અમને વિશ્વાસ છે કે તેઓ ભવિષ્યમાં ભારત માટે પણ રમશે અને દેશનું નામ રોશન કરશે.”
આ સિદ્ધિ બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓના વાલીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ સફળતા જામનગરમાં વિકસતી ક્રિકેટ સંસ્કૃતિ માટે પ્રેરણારૂપ છે અને ભવિષ્યમાં આવા વધુ યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર ચમકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

