ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ભારે ખટાશ જાેવા મળી રહી છે. ગયા વર્ષે ૨૨મી એપ્રિલે થયેલા પહલગામ હુમલા અને ત્યારબાદના ચાર દિવસીય સંઘર્ષ પછી બંને દેશો વચ્ચેની સરહદ ગરમાયેલી છે. આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું તાજેતરનું નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે.
અહેવાલો અનુસાર, શનિવારે (ચોથી એપ્રિલ) પોતાના વતન સિયાલકોટ ખાતે પત્રકારો સાથે વાત કરતા ખ્વાજા આસિફે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘જાે ભારત કોઈપણ પ્રકારની નાટકીય કાર્યવાહી કરવાનો પ્રયાસ કરશે, તો પાકિસ્તાનનો જવાબ માત્ર સરહદ સુધી મર્યાદિત નહીં રહે, અમે સીધું કોલકાતા સુધી હુમલા કરીશું.‘ નોંધનીય છે કે કોલકાતા પૂર્વી ભારતમાં આવેલું છે અને પાકિસ્તાની સરહદથી સેંકડો કિલોમીટર દૂર છે. રાજકીય વિશ્લેષકો આ નિવેદનને પાકિસ્તાનની આંતરિક જનતાને રીઝવવાનો એક પ્રયાસ ગણાવી રહ્યા છે.
ખ્વાજા આસિફે કોઈ પણ પુરાવા આપ્યા વિના દાવો કર્યો હતો કે તેની પાસે એવા અહેવાલો છે કે ભારત કોઈ મોટું કાવતરું ઘડી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે ભારત કેટલાક મૃતદેહો બતાવીને તેને આતંકવાદી જાહેર કરી શકે છે અને હુમલા માટેનું બહાનું બનાવી શકે છે. આ અગાઉ પણ તેમણે ભારતને ‘ઝડપી અને મક્કમ‘ જવાબ આપવાની ધમકી આપી હતી.
પાકિસ્તાન તરફથી આવી રહેલી ધમકીઓ વચ્ચે ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગાઉ જ સ્પષ્ટ કરી દીધું હતું કે જાે પાડોશી દેશ દ્વારા કોઈ પણ ઉશ્કેરણીજનક પગલું ભરવામાં આવશે, તો ભારતનો જવાબ ‘અભૂતપૂર્વ અને નિર્ણાયક‘ હશે. ભારતના આ કડક વલણ બાદ જ પાકિસ્તાની મંત્રીઓ બેબાકળા થઈને નિવેદનબાજી કરી રહ્યા હોવાનું જણાય છે.
એક તરફ મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે, ત્યારે દક્ષિણ એશિયાના બે પરમાણુ સંપન્ન દેશો વચ્ચેની આ શબ્દયુદ્ધે વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે. પહલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો લગભગ ઠપ્પ છે અને સૈન્ય ગતિવિધિઓ પર દુનિયાની નજર છે.

