ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં રસ્તા બાબતે અને સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમજાવવા ગયેલી મહિલાઓ પર ધારિયા અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઝઘડામાં એક પક્ષના સુરેખાબેનને કાનના પાછળના ભાગે ધારીયાનો ઘા વાગતા અને બીજા પક્ષના હંસાબેનના માથામાં ધારિયું ઝીંકાતા બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
બંનેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બંનેને ટાંકા આવ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી છે. જે અંગે ખેરાલુ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદ
સુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા
ડભોડા ગામના સુરેખાબેન વિનુજી ઠાકોર ગઈકાલે સવારે પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના કુટુંબી નિરમાબેન ઠાકોરના ઘરે પાડોશમાં રહેતા સ્નેહાબેન ઠાકોર ગાળાગાળી કરી રહ્યા હોવાથી સુરેખાબેન ત્યાં સમજાવવા ગયા હતા. આ દરમિયાન સ્નેહાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનું ઉપરાણું લઈને આવેલા ભરતજી ઈશ્વરજી ઠાકોર, અજયજી દશરથજી ઠાકોર (બંને રહે. ડભોડા) અને હંસાબેન ફુલાજી ઠાકોર (રહે. વિસનગર) એ ભેગા મળી સુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.
‘આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું‘
આ મારામારી દરમિયાન ભરતજી ઠાકોરે ઉશ્કેરાઈને ધારિયાના ઉંધા ભાગ વડે સુરેખાબેનને ડાબા કાનના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતા પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરો ‘આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું‘ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા.
મહિલાને કાનના ભાગે ચાર ટાંકા આવતા પોલીસમાં ફરિયાદ
ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને કાનના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. આ મામલે સુરેખાબેને ચારેય હુમલાખોરો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી ફરિયાદ
ત્રણ શખસોએ દોડી આવી ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો
ડભોડા ગામની સીમમાં રહેતા સ્નેહાબેન ઠાકોર અને તેમની બહેન ઘરે હાજર હતા, ત્યારે પડોશમાં રહેતા નિરમાબેન શંકરજી ઠાકોર રસ્તા બાબતે ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે સ્નેહાબેનના ઘરે સામાજિક પ્રસંગે આવેલા તેમના ફોઈ અને અન્ય સંબંધીઓએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. નિરમાબેનના સમર્થનમાં અન્ય ત્રણ શખ્સો વિનુજી હરીજી, સુર્યાબેન વિનુજી અને શંકરજી વેલાજી પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો.
ધારિયું મહિલાના માથામાં મારી દેતા ચાર ટાંકા આવ્યા
આ ઝઘડા દરમિયાન આરોપીઓએ સ્નેહાબેન અને તેમના ફોઈ વિજયાબેન સાથે ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા શંકરજી વેલાજીએ પાસે પડેલું ધારિયું લાવી સ્નેહાબેનના ફોઈ હંસાબેનના માથામાં ડાબી બાજુએ ઝીંકી દીધું હતું. હુમલામાં હંસાબેન લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે ખેરાલુ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા.
પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
હુમલાખોરોએ જતી વખતે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સ્નેહાબેન ઠાકોરે નિરમાબેન, વિનુજી, સુર્યાબેન અને શંકરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

