ભાવનગર પેરોલફ્લો સ્ક્વોર્ડે IPLની મેચમાં એપ ડાઉનલોડ કરી સટ્ટા શોખીન લોકોને આઈડી પાસવૉર્ડ આપી જુગાર-સટ્ટો રમતા શખ્સને એક મોબાઈલ સાથે ઝડપી લીધો છે. આ સટ્ટા અંગેની શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા આ સટ્ટો રમાડવા માટે આઈડી વરતેજ ગામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું.જે મામલે પોલીસે બન્ને શખ્સ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હૈદરાબાદ-લખનઉ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતો આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ પેરોલફ્લો સ્ક્વોર્ડના પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ચિત્રા-સીદસર રોડના સતનામ ચોક નજીક રેઈડ કરી હતી.
જ્યાંથી ચિત્રાવાડી ફુલસર ગામના રહેવાસી રાકેશભાઈ ખીમજીભાઈ બારૈયાને ઝડપી પાડ્યો હતો.મોબાઈલ ફોન મારફતે IPLની સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચેની મેચ પર “Allpanel777 now” આઈડી દ્વારા રનફેરના સોદાઓ કરી અન્ય લોકોને આઈડી આપી રૂપિયા લઈ જુગાર રમાડતો હતો.
પોલીસે બે સામે ફરિયાદ નોંધી પોલીસે તેના પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો.શખ્સની વધુ પૂછપરછમાં આ આઈડી વરતેજ ગામના દરબારગઢ વિસ્તારના નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી. ગોહીલ પાસેથી મેળવેલી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પેરોલફ્લો સ્ક્વોર્ડે શખ્સને આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસને સોંપ્યો હતો. જે મામલે પોલીસે રાકેશ બારૈયા અને નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જી ગોહીલ સામે જુગાર અટકાયતી અધિનિયમ કલમ 12(A) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

