Gujarat

અનંત અંબાણીના જન્મ દિવસની બે દિવસ ધમાકેદાર પાર્ટી, આજે રાજભા ગઢવીનો લોકડાયરો

જામનગરના આંગણે બોલીવૂડના માંધાતાઓની માયાનગરી જાણે સજીવન થઈ છે. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી માટે એરપોર્ટ પર ઉતરેલા ગ્લેમર જગતના સિતારાઓનો કાફલો લક્ઝરી ગાડીઓના રસાલા સાથે વનતારાના સાનિધ્યમાં રવાના થયો હતો, જેનાથી આખું શહેર ઝાકઝમાળથી ભરાઈ ગયું છે.

ફિલ્મી ફલક પર રાજ કરતા સિતારાઓના આગમનથી જામનગરના આકાશમાં ગ્લેમરની રોશની ફેલાઈ છે. ગત 07 એપ્રિલે વિશ્વવિખ્યાત સંગીત સમ્રાટ એ.આર. રહેમાને જામનગરની ધરા પર કદમ મૂક્યા હતા, જ્યારે 08 એપ્રિલની બપોરે બોની કપૂર, રણવીરસિંહ અને ઓરીના આગમનથી એરપોર્ટ પર ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો.

શાહરુખની ઝલક જોવા એરપોર્ટ પર ફેન્સનો જમાવડો

ત્યારબાદ, બોલીવુડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી અને પુત્ર અબ્રામ સાથે રાજવી અંદાજમાં જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીંથી આ સેલિબ્રિટી પરિવાર સીધો મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન અને કુદરતના ખોળે વસેલા વનતારાના મહેમાન બન્યા હતા.