Gujarat

તાંદલજાની પરિણીતાને દહેજ અને દીકરીના જન્મ મુદ્દે સાસરિયાંનો ત્રાસ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણી મુદ્દે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાનો આક્ષેપ છે કે, દીકરીનો જન્મ થતા સાસરિયાઓએ અસંતોષ વ્યક્ત કરી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો.

લગ્નના ચાર મહિના બાદ ત્રાસ શરૂ થયો ફરિયાદ અનુસાર, વડોદરાની યુવતીના લગ્ન 24 જાન્યુઆરી, 2022ના રોજ અંકલેશ્વરના યુવક સાથે ઈસ્લામિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નજીવનના શરૂઆતના ચાર મહિના શાંતિથી પસાર થયા બાદ સાસુ, જેઠાણી અને નણંદે ઘરકામ બાબતે મેણાં-ટોણાં મારી યુવતીનું અપમાન કરવાનું શરૂ કર્યું હતું. સાસરિયાંઓ દ્વારા નાની-નાની બાબતોમાં ખામીઓ કાઢી તેને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.

દહેજની માંગણી અને દીકરીના જન્મનો વિરોધ યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ સાથ આપવાને બદલે સાસરિયાંઓનો પક્ષ લઈ વારંવાર પિયરમાંથી દહેજ પેટે પૈસા લાવવા દબાણ કરતો હતો. યુવતી ગર્ભવતી બની ત્યારે સાસરિયાઓએ ‘દીકરો જ જોઈએ’ એવી જીદ પકડી હતી. 9 જાન્યુઆરી, 2023ના રોજ વડોદરાની હોસ્પિટલમાં દીકરીનો જન્મ થતા સાસરિયાંઓ ખુશ થવાને બદલે નારાજ થયા હતા અને દીકરીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. યુવતીને ધમકી આપવામાં આવી હતી કે, “જો દીકરો નહીં જણાય તો પતિના બીજા લગ્ન કરાવી દઈશું.”