Gujarat

ગાંધીનગર પોક્સો કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી

ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણ અને શારીરિક અડપલાં કરવાના ગંભીર ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અજય ચેતનભાઈ પટેલને ત્રણ વર્ષની સખત કેદની સજા સાથે કુલ ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

પાન પાર્લર પાસેથી આરોપીએ સગીરાનું અપહરણ કર્યું

આ ઘટનાની વિગતો મુજબ ડભોડા ગામના ફુલજીવાળા વાસમાં રહેતા આરોપી અજય પટેલે ૧૬ વર્ષ અને ૬ માસની સગીરાને તેના પિતા તથા ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત ૯ જુલાઈ ૨૦૨૪ના રોજ જ્યારે સગીરા સ્કૂલે જઈ રહી હતી, ત્યારે રસ્તામાં આવેલા પાન પાર્લર પાસેથી આરોપીએ તેનું અપહરણ કર્યું હતું.

ગેસ્ટ હાઉસમાં સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યા હતા

બાદમાં આરોપી સગીરાને પવન ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યા હતા. ત્યારબાદ આરોપીએ સગીરાને લવારપુર પેટ્રોલ પંપ પાસે ઉતારી દીધી હતી. આ મામલે ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ પૂર્ણ કરી ગાંધીનગર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આરોપીઓને કડક સજા આપવા વકીલની રજૂઆત

આ કેસની સુનાવણી બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટમાં ચાલી હતી. જેમાં સરકાર તરફે સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યા અને સજા બાબતે એડી. પી. પી. પ્રિતેશ ડી. વ્યાસે ધારદાર દલીલો કરી હતી. વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સમાજમાં સગીરાઓ સામેના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે આવા આરોપીઓને કડક સજા થવી જાેઈએ જેથી સમાજમાં એક દાખલો બેસે અને લોકો આવા ગુના કરતા અટકે.

આરોપી અજય પટેલને ૩ વર્ષની કેદની સજા ફટકારી

જે દલીલો અને પુરાવાને ધ્યાને રાખી કોર્ટે આરોપી અજય પટેલને ૩ વર્ષની કેદ અને ૪૦ હજારનો દંડ ભોગવવા ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ભોગ બનનાર સગીરાને ૪,૦૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાનો પણ ખાસ હુકમ કર્યો છે.