ધારાસભ્ય ભગવાનભાઈ બારડે અધિકારીઓ સાથે આંબાજળ અને હિરણ-1 ડેમની મુલાકાત લીધી. હિરણ-1 ડેમમાં સૌની યોજના મારફતે પાણી પહોંચાડવા અને ડેમમાંથી માટી કાઢવાની શક્યતાઓ અંગે સ્થળ પર સર્વે કરાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના વિસાવદર તાલુકામાં સતાધાર નજીક આવેલા આંબાજળ ડેમની મુલાકાત દરમિયાન પાઇપલાઇન મારફતે હિરણ-1 ડેમ સુધી પાણી પહોંચાડવાની શક્યતાઓ તપાસવામાં આવી. હિરણ-1 ડેમ ગીરના સિંહો અને તાલાલા પંથક માટે પાણીનો મુખ્ય સ્રોત છે. ડેમ આરક્ષિત જંગલમાં અને ડુંગરોથી ઘેરાયેલો હોવાથી પાણી પહોંચાડવાની સરળ રીત અંગે ચર્ચા કરાઈ.
ત્યારબાદ ભગવાનભાઈ બારડે હિરણ-1 ડેમમાં પાણીનો જથ્થો, આવક અને સંગ્રહ ક્ષમતા અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. ડેમમાંથી માટી કાઢવાની તાલાલા પંથકની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર વિગતો તપાસી. ધારાસભ્ય એ જણાવ્યું કે ડેમમાં હાલ પાણી ઓછું છે અને માટીનો જથ્થો આશરે 5 ટકા દેખાય છે. ડેમના તળિયે પથ્થરો હોવાથી તેને તોડી ડેમ ઊંડો કરવા અને સંગ્રહ ક્ષમતા વધારવા સર્વે શરૂ કરાયો છે. સૌની યોજનાનું પાણી ડેમ સુધી પહોંચાડવા પણ સર્વે થઈ રહ્યો છે. સર્વે બાદ સરકાર સમક્ષ આયોજન સાથે રજૂઆત કરાશે.

