Gujarat

જમીન બચાવવા ૧૦ ગામના રહીશો મેદાને ઉતર્યા

મહેસાણા મનપામાં ડીપી-ટીપી સ્કીમના વિરોધમાં સભા યોજાઇ

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી નવી ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. આ સ્કીમના વિરોધમાં આસપાસના ૧૦ જેટલા ગામોના લોકો હવે એકજૂથ થયા છે. ૯ એપ્રિલની રાતે કુકસ ગામે તમામ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં તંત્ર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા જે રીતે નવી સ્કીમ દાખલ કરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે આ સ્કીમ તેમના હિતમાં નથી અને તેનાથી સ્થાનિકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. કુકસ ગામે મળેલી સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ એકસૂરે જણાવ્યું હતું કે, તેઓ આ સ્કીમનો કોઈ પણ ભોગે અમલ થવા દેશે નહીં.

વિસ્તારને ‘ઈન્ડસ્ટ્રીયલ ઝોન‘ જાહેર કરાતાં ખેડૂતોમાં રોષ

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સૂચિત વિકાસ નકશાથી શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા હજારો ખેડૂત પરિવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિકાસના નામે આવી રહેલા હાઈવે અને ડેવલપમેન્ટ પ્લાન ૨૦૪૭ હેઠળ આ આખા વિસ્તારને ‘ઈન્ડસ્ટ્રીયલ ઝોન‘ જાહેર કરાતાં ખેડૂતોમાં ભારે ફ્ફડાટ અને રોષ વ્યાપ્યો છે. પોતાની માતૃ સમી જમીનો કપાતમાં જતી રોકવા માટે તાવડિયા, દેલા, ઉચરપી, રામપુરા, હેબુવા, શોભાસણ, કુકસ, લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરા અને રૂપાલ સહિતના ૧૦ ગામોએ હવે આરપારની લડાઈ લડવા જમીન બચાવો એક્શન કમિટીની રચના કરી છે.

ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્ર: ખેડૂતો

આ વિકાસ નકશાથી ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, જમીન જવાથી ખેડૂતનો વિકાસ થાય કે વિનાશ? પૂર્વની પટ્ટીમાં નવા આવી રહેલા હાઈવે વચ્ચે ખેતી ઘેરાઈ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, પૂર્વ વિસ્તારમાં માત્ર ૨ કિલોમીટરના અંતરમાં ત્રણ મોટા રસ્તાઓનું આયોજન કરી ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્ર રચાયું છે. થરાદ-અમદાવાદ ભારતમાલા હાઈવે, મહેસાણા-ઈડર નેશનલ હાઈવે, ૮૦ મીટરનો સૂચિત રિંગ રોડ આ પ્રોજેક્ટ્સને કારણે વર્ષોથી ખેતી અને પશુપાલન પર નભતા પરિવારો પાસે હવે જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં રહે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનો આરોપ

મહાનગરપાલિકાએ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો ફાંસો આપતાં ખેડૂત પોતાની જમીન પર ખેતી નહીં કરી શકે. સૌથી મોટો વિરોધ મહેસાણા ડેવલપમેન્ટ પ્લાન ૨૦૪૭ સામે છે. આ પ્લાન મુજબ પૂર્વ વિસ્તારને સંપૂર્ણ પણે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે આવનારા સમયમાં ખેડૂત પોતાની જ જમીન પર ખેતી કે પશુપાલન કરી ન શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ ર્નિણય ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે.

મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયાર

આ મુદ્દે સ્થાનિક આગેવાન કિરણ ચૌધરી સહિતના લોકોએ જણાવ્યું કે, તેઓએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને કાનૂની લડત તો ચાલુ જ રહેશે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમામ ૧૦ ગામના લોકો સંગઠિત થઈને રસ્તા પર ઉતરે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ બેઠકમાં ચૂંટણી બહિષ્કાર જેવા કડક પગલાં ભરવાની પણ ચર્ચાઓ થઈ હતી.તમામ ગ્રામજનોએ એક અવાજે ર્નિણય લીધો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. હવે જાેવાનું એ રહે છે કે ગ્રામજનોના આ ઉગ્ર રોષ સામે તંત્ર નમતું જાેખશે કે વિવાદ વધુ વકરશે.