ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ક્યાંક પક્ષપલટા તો ક્યાંક આંતરિક નારાજગી ભાજપ માટે પડકાર ઉભો કરી રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો.
ભાજપે ભાયાણીને મેદાનમાં ઉતારી ‘આપ’ના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી જૂનાગઢ જિલ્લા પંચાયતની સૌથી ચર્ચિત બેઠક ભેસાણ બની છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ આજે પોતાના સમર્થકો સાથે વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું હતું. આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે, તે ‘આપ’ના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાનો મતવિસ્તાર ગણાય છે. ભાજપે ભાયાણીને મેદાનમાં ઉતારી ‘આપ’ના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની સીટ નં. 2 પરથી શોભાનાબેન સતાસીયાએ પણ ભાજપ તરફથી ફોર્મ ભર્યું છે.

કેશોદમાં ભાજપના મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ શારદાબેન રાખલીયાએ પક્ષ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. 2009થી ભાજપમાં સક્રિય રહેલા શારદાબેને આક્ષેપ કર્યો કે, 15 વર્ષની મહેનત છતાં પાર્ટીએ તેમની કદર કરી નથી.શારદાબેને જણાવ્યું હતું કે, મેં અસંખ્ય બહેનોને રોજગારી અને તાલીમ આપી છે છતાં પક્ષે મને ન્યાય આપ્યો નથી. બહેનોની લાગણીને માન આપી હું હવે વોર્ડ નં. 1 માંથી ‘આપ’ની પેનલ સાથે ચૂંટણી લડીશ.” તેમની સાથે રમેશભાઈ વણપરિયા અને લક્ષ્મીબેન પણ મેદાનમાં ઉતરશે.

પારિવારિક સંજોગોને કારણે ચૂંટણી નહીં લડે કેશોદ નગરપાલિકાના વોર્ડ નં. 5 માં એક અનોખી ઘટના બની છે.પૂર્વ સભ્ય વિવેક કોટડીયાએ ભાજપ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષે તેમના બદલે તેમની પત્નીને ઉમેદવાર બનાવ્યા. આ નિર્ણયથી નારાજ થઈને વિવેકભાઈએ પત્ની વતી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપ સાથે જ છે, પરંતુ પારિવારિક સંજોગોને કારણે ચૂંટણી નહીં લડે. આ સ્થિતિને પગલે ભાજપે હવે નવા ઉમેદવારની શોધ શરૂ કરી છે.

