Gujarat

જામનગર-ખંભાળિયા હાઈવે પર મિની બસ પલટી

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી મીની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત કુલ છ યાત્રાળુઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

GJ-1 ET 7800 નંબરની આ બસ જામનગરથી દ્વારકા તરફ યાત્રાળુઓને લઈને જઈ રહી હતી. બસ માર્ગ પર આડી પડી ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત યાત્રાળુઓ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સિક્કા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.