જામનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે EVM ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કુલ 2137 EVM મશીનોની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા કડક સુરક્ષા વ્યવસ્થા અને રેન્ડમાઇઝેશન પદ્ધતિથી હાથ ધરવામાં આવી હતી.
ફાળવવામાં આવેલા EVM પૈકી, જામનગર મહાનગરપાલિકા માટે 747, જામનગર જિલ્લા પંચાયત માટે 808, જામનગર તાલુકા પંચાયત માટે 824 અને સિક્કા નગરપાલિકા માટે 31 EVMનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 4,42,829 મતદારો માટે 414 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 24 બેઠકો અને 6 તાલુકા પંચાયતની 112 બેઠકો માટે 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો મતદાન કરશે. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો પર 19,409 મતદારો નોંધાયા છે.
જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાન મથકો પર આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.

EVM ફાળવણી પ્રક્રિયા દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક સહિત ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

