વડોદરા શહેરમાં એક્ટિવા ચાલકનો પીછો કરીને ખિસકોલી સર્કલ નજીક રોકીને યુવક પાસેથી રોકડા રૂપિયા અને મોબાઇલ લૂંટનાર તેમજ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોની ચોરી કરનાર 4 આરોપીઓની ટોળકીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ચોરીના વાહનો સહિત કુલ રૂ. 56,220નો મુદ્દામાલ કબજે કર્યો છે.
લાલબાગ બ્રિજ પાસે એક્ટિવા ચાલકનો પીછો કર્યો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, લાલબાગ બ્રિજ નીચે કાળા રંગની સ્પ્લેન્ડર બાઈક સાથે ચાર શંકાસ્પદ ઇસમો ઉભા છે. બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ચારેય ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચાર મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા. તેઓની પૂછપરછમાં ખુલ્યું કે, તા. 22 એપ્રિલની રાત્રે આરોપીઓએ મોપેડ પર નીકળી લાલબાગ બ્રિજ પાસે એક એક્ટિવા ચાલકનો પીછો કર્યો હતો. ત્યારબાદ ખિસકોલી સર્કલ પાસે તેને રોકી તેની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા. ઘટનાના બાદ તેઓ મોપેડ સ્થળ પર મૂકી ફરાર થયા હતા.
આ ઉપરાંત આરોપી મનિષ નિનામાએ મોપેડ મુજમહુડા વિસ્તારમાંથી તથા સ્પ્લેન્ડર બાઈક ગોરવા વિસ્તારના ઇલોરાપાર્કમાંથી ચોરી કરી લાવ્યાનું પણ સ્વીકાર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં અક્ષય ભઇલાલભાઇ માળી, ગુરૂ ઉર્ફે લાલો અંશુભાઇ મારવાડી,પ્રગ્નેશ ઉર્ફે સન્ની ભઇલાલ માળી અને અને મનિષ ખુમાનસિંહ નિનામાનો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ વડોદરાના રહેવાસી છે.

