Gujarat

નિવૃત RPF જવાનનું 50 હજારનું બંડલ ચોરનાર ઝડપાયો

શહેરના અલકાપુરી વિસ્તારમાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને જઈ રહેલા એક નિવૃત RPF જવાનની નજર ચૂકવી ખિસ્સામાંથી ₹50,000ની ચોરી કરનાર શાતિર રિક્ષા ચાલકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સામે અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

રસ્તો પૂછવાના બહાને રિક્ષામાં બેસાડ્યા મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના સોખડા રોડ પર રહેતા 60 વર્ષીય પ્રહલાસિંગ જાટવ તાજેતરમાં જ RPFમાંથી નિવૃત થયા છે. ગત 21 એપ્રિલના રોજ તેઓ પોતાની ભત્રીજીના લગ્ન હોવાથી અલકાપુરીની SBI શાખામાંથી ₹1.50 લાખ ઉપાડીને રેલવે સ્ટેશન તરફ પગપાળા જઈ રહ્યા હતા.

આ દરમિયાન એક રિક્ષા ચાલકે તેમને અટકાવી પોતે નવો હોવાનું કહી રેલવે સ્ટેશનનો રસ્તો પૂછ્યો હતો. રસ્તો બતાવવાના બહાને રિક્ષા ચાલકે તેમને ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડ્યા હતા. સ્ટેશન ઉતરીને જોયું તો તેમના ખિસ્સામાંથી ₹50,000નું એક બંડલ ગાયબ હતું.

CCTV અને બાતમીના આધારે પકડાયો ઘટના અંગે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાતા PI એસ.જે. પંડ્યા અને ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને રિક્ષાનો નંબર (GJ 23 X 7791) શોધી કાઢ્યો હતો. બાતમીના આધારે પોલીસે સ્ટેશન પાછળ ફરામજીની ચાલી પાસેથી આરોપી શાહરૂખમીયા ઉર્ફે એમ.ડી. ઉર્ફે શાહરૂખલાલા આબાદમીયા મલેક (રહે. પેટલાદ, જી. આણંદ)ને ઝડપી પાડ્યો હતો.