જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર હેઠળના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત સંકુલ, જામનગર ખાતે S.G.F.I.ની અંડર-17 મહિલા ક્રિકેટ ટીમ, જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રાષ્ટ્રીય સ્પર્ધા માટે હરિયાણા જઈ રહી છે તેમની સાથે તંત્ર દ્વારા ચાઈ પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મહિલા ખેલાડીઓ અન્ય લોકોને ખાસ કરીને યુવાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરે તે પ્રકારે મતદાન જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા તથા જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલિયા દ્વારા મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા યુવા ખેલાડીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

