જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગને એક આવેદનપત્ર પાઠવ્યું છે. આગામી 26/04/26 થી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે.
આ આવેદનપત્રમાં કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સરકારી મશીનરી અને ખાસ કરીને પોલીસ તંત્રના દુરુપયોગની આશંકા વ્યક્ત કરી છે. પક્ષે ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તેવી માંગ કરી છે.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ઉમેદવારોને પોલીસ દ્વારા હેરાનગતિનો ભય છે. તેમને આશંકા છે કે ચૂંટણી પહેલા ફોન કરીને ધમકાવવામાં આવી શકે છે અથવા ચૂંટણીના દિવસે અજ્ઞાત સ્થળે લઈ જઈ અટકાયત કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત, કોંગ્રેસે મતદારો પર દબાણ લાવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. સત્તાધારી પક્ષ દ્વારા નાણાકીય લાલચ આપીને અથવા વહીવટી તંત્રનો ડર બતાવીને મતદારોને પ્રભાવિત કરવામાં આવી શકે છે તેવી ચિંતા રજૂ કરાઈ છે.

પત્રમાં જણાવાયું છે કે જામનગરના તમામ ૧૬ વોર્ડમાં ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ૬૪ (૬૨) ઉમેદવારોમાં પ્રશાસન અને પોલીસની કાર્યવાહીને લઈને ભયનો માહોલ છે, જે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે અવરોધરૂપ બની શકે છે.
કોંગ્રેસે માંગ કરી છે કે ચૂંટણી પ્રક્રિયા ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે યોજાય. પોલીસ તંત્ર કોઈ પણ પક્ષના દબાણ વગર કાયદા મુજબ કામ કરે અને ઉમેદવારો તેમજ મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા અપીલ કરાઈ છે.

