સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજ ચોરી, રાયોટિંગ અને ફરજમાં રૂકાવટ જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને હળવદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજાએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો.
આ પ્લાન અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી રહી હતી. આ દરમિયાન, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ નાનજીભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ ખાતે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીનું નામ ખીમાભાઈ મેપાભાઈ ગોલતર (ઉંમર ૩૪ વર્ષ) છે. તે કૃષ્ણનગર, સાનિધ્ય બંગલા પાછળ, રાણેકપર રોડ, હળવદનો રહેવાસી છે અને મૂળ નવાગામ, તા. થાનગઢનો છે. આરોપી સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં IPC ની વિવિધ કલમો તેમજ The Mines and Minerals Act હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.

