પોરબંદરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકરો પર ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટના બાદ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, AAP કાર્યકરો નરેશ બાબુ ચાડ્યા અને પુરીબેન રામા રાઠોડ વોર્ડ નંબર 2 વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેઓ ભાજપના પૂર્વ કાઉન્સિલરના ઘર પાસેથી નીકળતા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા. આક્ષેપ છે કે તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ પૂર્વ કાઉન્સિલર દ્વારા ઉશ્કેરાઈને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં નરેશ બાબુ ચાડ્યા અને પુરીબેન રામા રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં લોકોનો જમાવડો થતાં વાતાવરણ તંગ બન્યું હતું.

