Gujarat

વીરપુર જામકંડોરણા પંથકમાંથી વીજ વાયરની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 6 સાગરિતની ધરપકડ

વિરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વીજલાઇનના વાયરની ચોરી કરી બારોબાર વેચી મારવાનું કારસ્તાન કરતી આંતરરાજ્ય ટોળકીના 6 સાગરિતની ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી છે અને તેમની પાસેથી 15.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીની તપાસમાં ખુલવા પામ્યું હતું કે રાજસ્થાનની ગેંગ પાયલોટિંગ કરતી અને ટોળકી જ્યારે વાયર ચોરીને અંજામ આપે પછી વાયરને સગેવગે કરવાનું કામ પણ કરતી.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર અને જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીજીવીસીએલના ચાલુ વીજપ્રવાહના એલ્યુમિનિયમ વાયરોની ચોરીની ઘટનાઓ વધતાં ગ્રામ્ય પોલીસ સતર્ક બની હતી અને ટોળકીનું પગેરું દબાવવા કાર્યવાહી શરૂ કરી હતી જેના અનુસંધાને ગ્રામ્યના પીઆઇ ઓડેદરા તથા પીએસઆઇ ચાવડા, એચ.સી. ગોહીલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે આરોપીઓ કાગવડ પાસેથી પસાર થવાની છે આથી વોચમાં રહેલી પોલીસે આરોપીઓ નીકળતાંંની સાથે જ ઉઠાવી લીધા હતા જેમાં પ્રતાપસિંહ પુનમસિંહ દેવીસિંહ ચૌહાણ, ગોપાલસિંહ લક્ષ્મણસિંહ રાવત, ભગવાનસિંહ ચૌહાણ અને સોભાગસિંહ નવલસિંહ રાવતનો સમાવેશ થાય છે.

આ ચારેય મૂળ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના રહેવાસી છે અને હાલ જામકંડોરણામાં રહે છે. આ ઉપરાંત વાયરના વેચાણમાં મદદ કરનાર સાજીદભાઇ લતીકભાઇ પારેખ અને નાશીર ઉર્ફે ટીનો ઓસમાણભાઇ સેતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

રાતના સમયે જ ટોળકી ઓપરેશન પાર પાડતી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી રાતના સમયે જામકંડોરણા અને વિરપુર વિસ્તારમાં પીજીવીસીએલના ચાલુ વીજપ્રવાહને વડે બંધ કરી કટર વડે એલ્યુમિનિયમના વાયરો કાપી લેતી હતી અને બાદમાં આ વાયર બોલેરો પીકઅપમાં ભરી દેવામાં આવતા અને જ્યારે એ બોલેરો પસાર થઇ રહી હોય ત્યારે એક કાર ખાસ તેનું પાયલોટિંગ કરતી.