Gujarat

લોકશાહીનો અનોખું પર્વ: સમીના બાસ્પા ગામે લગ્ન વિધિ પહેલા દુલ્હને કર્યું મતદાન

લોકશાહીનો અનોખું પર્વ: સમીના બાસ્પા ગામે લગ્ન વિધિ પહેલા દુલ્હને કર્યું મતદાન

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના પર્વનો ઉત્સાહ સર્વત્ર જોવા મળી રહ્યો છે. સમી તાલુકાના બાસ્પા ગામે આ ઉત્સવ દરમિયાન એક અનોખું અને પ્રેરણાદાયક દૃશ્ય સામે આવ્યું, જ્યાં એક દુલ્હને લગ્ન વિધિઓ વચ્ચે પણ પોતાના મતાધિકારને પ્રાથમિકતા આપીને જાગૃત નાગરિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બાસ્પા ગામના નિવાસી રાવળ પરસોત્તમભાઈની પુત્રી કલ્પનાબેનના આજે લગ્ન પ્રસંગે ઘરમાં મંગળગીતો અને વિધિઓનો માહોલ છવાયેલો હતો. સામાન્ય રીતે લગ્નના દિવસે કન્યા પોતાના શણગાર અને વિધિઓમાં વ્યસ્ત રહેતી હોય છે, પરંતુ કલ્પનાબેને પોતાના જીવનના આ મહત્વપૂર્ણ દિવસે પણ દેશ પ્રત્યેની ફરજને સર્વોપરી માની હતી.
લગ્ન મંડપમાં પ્રવેશ કરતા પહેલા જ પીઠી ભરેલી પરંપરાગત વેશભૂષામાં કલ્પનાબેન સીધી મતદાન મથકે પહોંચી હતી. દુલ્હનને આ રીતે મતદાન માટે આવતાં જોઈ મતદાન મથકે હાજર સ્ટાફ અને અન્ય મતદારો આશ્ચર્યચકિત બની ગયા હતા. તેમની આ જાગૃતતા અને જવાબદારીની ભાવનાએ આસપાસના લોકોમાં પણ પ્રેરણા જગાવી હતી.
મતદાન કર્યા બાદ કલ્પનાબેને પોતાના આ પગલાં દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો કે વ્યક્તિગત ખુશી કરતાં દેશ અને લોકશાહી પ્રત્યેની ફરજ વધુ અગત્યની છે. તેમની આ કાર્યશૈલીએ ગામમાં જાગૃતિનો માહોલ સર્જ્યો છે અને ખાસ કરીને યુવાપેઢી માટે પ્રેરણારૂપ બની છે.
બાસ્પા ગામની આ ઘટના દર્શાવે છે કે લોકશાહી માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી અને પ્રતિબદ્ધતા છે. લગ્ન જેવા વ્યક્તિગત પ્રસંગ વચ્ચે પણ મતદાનને પ્રાથમિકતા આપવી એ લોકશાહી પ્રત્યેની ઊંડી શ્રદ્ધાનું પ્રતિક છે.
આ અનોખી ઘટના સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે અને લોકશાહીના પર્વને વધુ અર્થપૂર્ણ બનાવી રહી છે. આવી પ્રેરણાદાયક ઘટનાઓ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે અને વધુમાં વધુ લોકો મતદાન તરફ પ્રોત્સાહિત કરે છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ

IMG-20260426-WA0072.jpg