Gujarat

નશામાં ધૂત શખ્સે આઈસર ભગાવ્યું, હોસ્પિટલની દીવાલ તોડી

ગોંડલની સિવિલ હોસ્પિટલ પાસે આજે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. નશાની હાલતમાં આવેલા એક અજાણ્યા શખ્સે હોસ્પિટલ બહાર ઉભેલા એક આઈસર ટ્રકને ચાલુ કરી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં હોસ્પિટલની દીવાલ ધરાશાયી થઈ હતી અને અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું.

મળતી માહિતી મુજબ, GJ-15-X-1440 નંબરનો આઈસર ટ્રક સિવિલ હોસ્પિટલની સામે ઉભો હતો, જેમાં ચાલકનો બનેવી ભંગાર ભરી રહ્યો હતો. આ દરમિયાન એક નશાખોર શખ્સ ત્યાં આવ્યો અને બંધ હાલતમાં રહેલા આઈસરને અચાનક ચાલુ કરી ભગાવવાનો પ્રયાસ કર્યો. આઈસર ડ્રાઈવરના બનેવી અજય સોલંકી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે બંધ ગાડી આ શખ્સે કઈ રીતે ચાલુ કરી.

નશામાં ધૂત શખ્સે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર સીધું જ સિવિલ હોસ્પિટલની દીવાલ તોડીને અંદર ઘૂસી ગયું હતું. દીવાલ પડવાને કારણે અંદર પાર્ક કરેલી એમ્બ્યુલન્સ પર કાટમાળ પડ્યો હતો. હોસ્પિટલ બહાર આવેલી એક કેબિન અને બે એક્ટિવા સહિત અન્ય પાર્ક કરેલા વાહનોને પણ આઈસરે હડફેટે લીધા હતા, જેના કારણે તેમને ભારે નુકસાન થયું હતું.