International

હવે H-1 B વિઝા પર 3 વર્ષના પ્રતિબંધની તૈયારી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ દુઃસ્વપ્ન બની રહ્યું છે. હવે ટ્રમ્પની પાર્ટીના સાંસદોએ H-1B વિઝા પર 3 વર્ષ સુધીના પ્રતિબંધ સહિત અન્ય કડક જોગવાઈઓ ધરાવતું બિલ સંસદમાં રજૂ કર્યું છે.

7 રિપબ્લિકન સાંસદો દ્વારા કોંગ્રેસ (સંસદ) માં રજૂ કરાયેલ આ H-1B દુરુપયોગ નિવારણ બિલ-2026 નો ઉદ્દેશ્ય અમેરિકી લોકો માટે નોકરીની વધુ તકો ઊભી કરવાનો છે. એરિઝોનાના રિપબ્લિકન સાંસદ એલી ક્રેને આ બિલ સંસદમાં રજૂ કર્યું છે.

બિલ પર હસ્તાક્ષર કરનારા અન્ય સાંસદોમાં બ્રેન્ડન ગિલ, પોલ ગોસર અને એન્ડી ઓગલ્સનો સમાવેશ થાય છે. અમેરિકી હિતો સાથે જોડાયેલા આ બિલ પર ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક સાંસદોનો પણ ટેકો મળવાની શક્યતા છે. સૂત્રો અનુસાર, 100 સાંસદોની સેનેટમાં 60 સાંસદોનો ટેકો મળ્યા પછી વર્ષના અંત સુધીમાં મતદાન શક્ય છે.

આ બિલથી સૌથી વધુ ભારતીયો પ્રભાવિત થશે. કારણ કે, અમેરિકામાં દર વર્ષે જારી થતા લગભગ 85 હજાર H-1B વિઝામાંથી લગભગ 63 હજાર વિઝા ભારતીય પ્રોફેશનલ્સને મળે છે. બીજા નંબરે ચીનના પ્રોફેશનલ્સ આવે છે.