સુરત રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે એક મોટી કાર્યવાહી કરતા આશરે 6.30 કરોડની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. નાસિકની 45 વર્ષીય મેલેરિયો હેન્રી નામની મહિલા પોતાની ટ્રોલી બેગમાં અત્યંત શાતિર રીતે આ ડ્રગ્સ છુપાવીને લઈ જઈ રહી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાએ ટ્રોલી બેગના નીચેના ભાગમાં ગમટેપની મદદથી ડ્રગ્સના પેકેટો ચિપકાવ્યા હતા અને તેની ઉપર કપડાં તથા જૂતાના બોક્સ ગોઠવી દીધા હતા જેથી કોઈને શંકા ન જાય.
સીટ નંબરની પાકી બાતમી સાથે રેડ કરી DRIના અધિકારીઓને અગાઉથી જ પાકી બાતમી મળી હતી કે, એક મહિલા દિલ્હીથી ડ્રગ્સનો મોટો જથ્થો લઈને નિઝામુદ્દીન ટ્રેન મારફતે મુંબઈ જઈ રહી છે. બાતમીમાં મહિલાના સીટ નંબરનો પણ ઉલ્લેખ હોવાથી અધિકારીઓ માટે ઓપરેશન આસાન બન્યું હતું. જેવી ટ્રેન સુરત સ્ટેશન પર આવી, અધિકારીઓએ મહિલાને કોર્ડન કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ઉપરથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ ટ્રોલીની ઊંડી તપાસ કરતા 6 કરોડથી વધુનું ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આરોપી મહિલાને 14 દિવસની જેલ ધરપકડ બાદ મહિલા આરોપી મેલેરિયો હેન્રીને તાત્કાલિક સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.ડ્રગ્સની હેરાફેરીના ગંભીર ગુનાને ધ્યાને રાખીને કોર્ટે મહિલાને 14 દિવસની જેલ કસ્ટડી (જ્યુડિશિયલ કસ્ટડી)માં મોકલવાનો હુકમ કર્યો છે. DRI હવે આ મહિલાના ભૂતકાળ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોની કડક પૂછપરછ કરી રહી છે જેથી આ નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.

