Gujarat

જામનગરમાં ફાયર સેફ્ટી ચેકિંગ, એક હોટલ સીલ

જામનગર નજીક એક રિસોર્ટમાં ગત રવિવારે લાગેલી આગની ઘટના બાદ જામનગર મહાનગરપાલિકા (JMC) સક્રિય બની છે. મહાનગરપાલિકાએ શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલી હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી સહિતના નિયમોની કડક તપાસ શરૂ કરી છે.

મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા, ટીપીડીપી બ્રાંચ અને અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા આજે વિશાળ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. અંદાજે પંદર અધિકારીઓ અને સ્ટાફની ટુકડી દ્વારા હાઇવે વિસ્તારોમાં આવેલા એકમોની તપાસ કરવામાં આવી રહી છે.

આ ચેકિંગ દરમિયાન, ઠેબા ચોકડી નજીક આવેલી હાઇવે હોટલ-રેસ્ટોરન્ટ ‘ધાબા એ જામનગરી’ માં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને બાંધકામની જરૂરી મંજૂરી જેવા કોઈ દસ્તાવેજો મળી આવ્યા ન હતા. નિયમોના ભંગ બદલ આ એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે હોટલ, ધાબા અથવા રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી કે બાંધકામ સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં હોય, તેવા એકમો સામે કડક કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સીલ કરવામાં આવશે. ફાયર વિભાગના અધિકારી અનવર ગજ્જણે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તમામ વ્યાપારીઓએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.