Gujarat

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પુત્રને મળવા જતા પિતાનું એક્ટિવાની અડફેટે મોત, બાઇકની ટક્કરે મહિલાએ જીવ ગુમાવ્યો

વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં બનેલા ચાર અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કૃષ્ણા હોટેલ પાસે રિક્ષામાંથી ઉતરીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને એક્ટિવા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. તો પાયોનીયર કોલેજ પાસે અને તરસાલી-જાંબુવા બ્રિજ વચ્ચે પણ અકસ્માતની ઘટના સામે આવી હતી.

નેશનલ હાઈવે 48 પર વૃદ્ધનું મોત અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર કૃષ્ણા હોટલ સામે એક કરુણ ઘટના બની હતી. પંચમહાલના હાલોલ તાલુકાના બાસ્કા ગામના 70 વર્ષીય આદમભાઈ ઓડ તેમના પત્ની સાથે રિક્ષામાં પોર જઈ રહ્યા હતા.

હાઈવે પર પોતાના પુત્રને મળવા માટે તેઓ રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતા એક્ટિવા ચાલક વિવેક અશોકભાઈ પંચાલ (રહે. ફર્ટિલાઇઝરનગર) એ તેમને જોરદાર ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા આદમભાઈનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં એક્ટિવા ચાલકને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે. આ મામલે હરણી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બરોડા ડેરી પાસે હિટ એન્ડ રન શહેરના બરોડા ડેરી વિસ્તારમાં પણ અકસ્માતની એક ઘટના બની હતી. દંતેશ્વર વિસ્તારના જ્ઞાનનગરમાં રહેતા 70 વર્ષીય ભાનુબેન બારીયા રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને બાઈક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે ભાનુબેનનું સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું. મકરપુરા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાની તજવીજ શરૂ કરી છે.