Gujarat

માર્ચ મહિનાથી સરેરાશ રોજના 4 બનાવ, એસી સહિતના ઉપકરણોની સમયસર સર્વિસ કરાવવા અપીલ

રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી રહ્યો છે ત્યારે તેની સીધી અસર જનજીવન અને ફાયર સર્વિસ પર પડી રહી છે. ઉનાળાની શરૂઆતથી જ આગ લાગવાના બનાવોમાં (ફાયર કોલ) બમણો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા જનતા માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

આગની રોજની સરેરાશ ચાર ઘટના મનપાનાં ફાયર વિભાગમાં નોંધાયેલા આંકડાઓ મુજબ, જાન્યુઆરી 2026માં આગ લાગવાના 74 કોલ નોંધાયા હતા, જે ફેબ્રુઆરીમાં વધીને 79 થયા હતા. જોકે, ગરમી વધતાની સાથે જ માર્ચ 2026માં આ આંકડો સીધો 118 પર પહોંચી ગયો હતો અને એપ્રિલ 2026માં પણ 112 કોલ સાથે આગનો સિલસિલો જારી રહ્યો હતો.

મે માસની શરૂઆતના દિવસોમાં જ 22 કોલ નોંધાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે સરેરાશ રોજના 4 જેટલા આગના બનાવો બની રહ્યા છે. આ તપાસમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, અડધાથી વધુ ઘટનાઓમાં ભારે તાપમાનના કારણે ઓવર હિટીંગ થવાથી એર કન્ડીશનર (AC) સહિતના વીજ ઉપકરણોમાં શોર્ટસર્કિટ થયું હતું.