Gujarat

લાલપુરમાં સરપંચને જાનથી મારી નાખવાની ધમકી

લાલપુરમાં સી.સી. રોડના કામ બાબતે સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ગામના બે શખ્સોએ સરપંચ સાથે બબાલ કરી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

આ અંગે લાલપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા જયેશભાઈ શાંતિલાલ તેરૈયા (ઉં.વ 42) એ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે લાલપુરની પટેલ-બાવરીયા શેરીમાં રહેતા દીપકભાઈ કુરજીભાઈ ભાલોડીયા અને રોયલ દીપકભાઈ ભાલોડીયા સામે બીએનએસ 352, 351 (3) તથા જીપીએક્ટ 135 (1) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.

ફરિયાદી જયેશભાઈ લાલપુર ગામના સરપંચ છે. હાલ લાલપુરમાં સી.સી. રોડનું કામ ચાલી રહ્યું છે. તારીખ 6 ના રોજ રાત્રે આશરે સાત વાગ્યે લાલપુર મેઇન રોડ પર બાબા પાન પાસે આરોપીઓએ તેમને રોક્યા હતા. આરોપીઓએ સરપંચને પૂછ્યું કે રોડનું કામ તમે કરો છો.

જયેશભાઈએ સ્પષ્ટતા કરી કે આ ગ્રામ પંચાયતનું કામ નથી, પરંતુ એક એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સાંભળીને બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે સરપંચ સાથે ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી રોયલ પાસે લોખંડનો પાઇપ પણ હતો, જે હથિયારબંધી જાહેરનામાનો ભંગ ગણાય છે.