વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર આગમન અને રાત્રિ રોકાણને પગલે શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમના પ્રવાસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવાયો છે.
રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 12 IPS અધિકારીઓ અને 13 DySP વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
સુરક્ષાના ભાગરૂપે PSI, ASI, પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનો સહિત કુલ 1340 થી વધુ સુરક્ષા કર્મીઓને ફરજ પર તૈનાત કરાયા છે. વડાપ્રધાનના પ્રવાસ રૂટ, કાર્યક્રમ સ્થળો અને રોકાણ સ્થળ સહિતના વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
વડાપ્રધાનના આગમન પૂર્વે આજે શહેરમાં ગ્રાન્ડ રિહર્સલ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા રૂટ વ્યવસ્થા, વાહન ચેકિંગ, ક્વિક રિસ્પોન્સ ટીમોની કામગીરી તેમજ ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો, સર્કલો અને જાહેર સ્થળોએ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખી જામનગર પોલીસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. શહેરમાં પ્રવેશતા વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર બંદોબસ્ત દરમિયાન નાગરિકોને પણ પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

