Gujarat

મહેસાણા જિલ્લામાં પ્રેમીપંખીડાઓએ નર્મદા કેનાલમાં છલાંગ મારી જીવન ટુંકાવ્યું

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના માત્રાસણ ગામ પાસેથી એક હૃદયદ્રાવક ઘટના બનવાપામી હતી જેમાં એક યુવક અને યુવતીએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

આ ઘટના બાબતે મીડિયા સુત્રો થકી પ્રાપ્ત વિગતો અનુસાર, યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જાેતા મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા કેનાલમાં સતત ૩ કલાક સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, ત્યારે યુવક અને યુવતી એકબીજાને ભેટી પડેલી એટલે કે વળગી પડેલી હાલતમાં જાેવા મળ્યા હતા. આ કરુણ દ્રશ્ય જાેઈને હાજર રહેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ પ્રકરણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જાેકે, બંને ક્યા ગામના છે અને ક્યા સંજાેગોમાં આ આત્યંતિક પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.