ઉના તાલુકાના ચાંચકવડ ગામમાં એક પરિવારના પિતા સહિત ત્રણ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાત્રિના સમયે નોનવેજ ખાધા બાદ તેમની તબિયત લથડતાં સવારે તેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંચકવડ ગામના અરવિંદભાઈ પરમાર અને તેમના બાળકો – પાયલ (ઉંમર 11), વિશાલી (ઉંમર 12) અને જીગર (ઉંમર 13) – એ ગત રાત્રિના ભોજનમાં નોનવેજ ખાધું હતું. મોડી રાત્રિથી પિતા અને બાળકોની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી.
સવારે તેમને ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ અરવિંદભાઈની હાલત સ્થિર છે, જ્યારે તેમની બે દીકરીઓ અને એક દીકરો હજુ પણ સારવાર હેઠળ છે. ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકોની પરિસ્થિતિ સારી છે, પરંતુ લોહી સહિતના રિપોર્ટ બાદ જરૂર જણાશે તો તેમને વધુ સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવશે. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે હાલમાં ઝાડા-ઊલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉનાની હોસ્પિટલમાં રોજિંદા સરેરાશ 15 જેટલા આવા કેસ નોંધાઈ રહ્યા છે.

