જામનગર શહેરમાં જનગણના-2027ની કામગીરી માટે શહેરમાં 1200 શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં બે વિભાગમાં 600-600 શિક્ષકોની બે બેન્ચ બનાવી હતી. જેમાં પ્રથમ બેંચમાં બુકલેટ વગર જ તાલીમ આપવામાં આવી હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થતાં જ તંત્ર સફાળુ જાગ્યું છે. શનિવારથી શરૂ થયેલી બીજી બેન્ચમાં તમામ શિક્ષકોને બુકલેટ આપી દેવામાં આવી છે. તેમજ સમય પણ સળગ કરવામાં આવ્યો છે.
જામનગ શહેરમાં વસ્તી ગણતરીની કામગીરી વિવાદો વચ્ચે શરૂ થાય તેવા એંધાણો સર્જાયા હતા. શહેરમાં વસ્તી ગણતરી માટેની શિક્ષકોને તાલીમ આપવા માટેની શહેરની મહિલા કોલેજમાં 1200 શિક્ષકો માટેની બે બેન્ચીસમાં 600-600 શિક્ષકો માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રથમ બેન્ચમાં 600 શિક્ષકોને બુકલેટ વગર જ તાલીમ આપી, અને બપોરના બે કલાકની જમવાની રીસેષ આપતા હોવાથી દુરથી આવતા શિક્ષકોને ભારે હાલાકી પડી રહી હતી. જે અંગેનો ઉઠેલા વિરોધ અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો. જે બાદ જામ્યુકો તંત્ર સફાળુ જાગ્યું હતું, શનિવારે શરૂ થતી બીજી બેન્ચના તમામ તાલીમ લેનારા શિક્ષકોને બુકલેટ આપી દેવામાં આવી છે.
તેમજ શિક્ષકોની તાલીમના સમયમાં પણ ફેરફાર કરી નાંખવામાં આવ્યો છે. સવારના 8:30 થી 1:30નો સળગ સમય કરી આપવામાં આવ્યો છે. જ્યારે પહેલા તો જમવા માટે બપોરના બે કલાકની રીસેષ આપતા હોવાથી 5 થી 7 કીલોમીટર દુરથી આવતા શિક્ષકોને બિનજરૂરી પોતાના બાઈકનું પેટ્રોલ બાળવું પડતું હતું. બપોરના સમયે શિક્ષકોને હેરાનગતિ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

