જૂનાગઢમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે સામાન્ય લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પશુ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવેલા અબોલ પશુઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
મનપા દ્વારા શહેરમાંથી પકડેલા રખડતા ઢોરોને ખામધ્રોળ ચોકડી નજીક આવેલા ટોરેન્ટ ગેસ પંપ પાસેના ડેલા સહિત ત્રણ જગ્યાએ રાખવામાં આવે છે. ખામધ્રોળના આ ડેલામાં અંદાજિત 350થી વધુ ગૌવંશ છે, જ્યાં પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે માત્ર એક જ મહિનામાં 27થી વધુ અને છેલ્લા ચાર મહિનામાં કુલ 71 જેટલા ગૌવંશના મોત નીપજ્યા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓમાં તંત્ર સામે ભારે નારાજગી અને આક્રોશ ફાટી નીકળ્યો છે.
ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓની માગણીઓ અને આક્રોશ ગૌરક્ષક પાર્થ હુડકાએ કોર્પોરેશનની કામગીરી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, માત્ર પતરાના છાપરા નાખી દેવાથી તંત્રની જવાબદારી પૂરી થતી નથી. આવા ગરમ છાપરા નીચે રહેવું કેટલું પીડાજનક છે, તે અધિકારીઓ પોતાની એસી ચેમ્બ બહાર આવીને ત્યાં એક કલાક બેસે તો જ ખબર પડે. તેમણે માગણી કરી છે કે, આશ્રયસ્થાનોમાં તાત્કાલિક ધોરણે ફોગર (ફુવારા) સિસ્ટમ લગાડવી જોઈએ.
પાણીના કુંડામાં સફેદ ચૂનો કરવો જોઈએ જેથી પાણી ઠંડું રહી શકે. ગૌવંશને ગરમીથી બચાવવા માટે ગોળવાળું ગરમ પાણી આપવા જેવી તકેદારી રાખવી જોઈએ, કારણ કે માત્ર ખુલ્લી જમીનમાં પાણી છાંટવાથી પશુઓને ઠંડક મળતી નથી.જો કોર્પોરેશન તાત્કાલિક યોગ્ય પગલાં નહીં ભરે, તો આગામી સમયમાં તમામ ગૌરક્ષકો અને સંગઠનો આંદોલનનો માર્ગ અપનાવશે.

