Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં સંકલનની બેઠક

ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરે તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શિત કરી જરૂરી સૂચનો કર્યા હતાં.ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડના સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવે, સૂત્રાપાડાની જેટીના પ્રશ્નો તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના બીનઅધિકૃત ધોરણે ભરડિયો ચલાવવા બાબત સહિતના પ્રશ્નો રજૂ થયાં હતાં.

કલેક્ટરે આ તમામ પ્રશ્નોની વિસ્તૃતમાં ચર્ચા કરી અને સંલગ્ન વિભાગના અધિકારીઓએ સમયમર્યાદામાં વિગતો પૂરી પાડવા અને જનપ્રતિનિધિઓને નિયત સમયમર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવા માટે ખાસ તાકીદ કરી હતી.

માહિતીનો સમયસર જવાબ અપાશે ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર યોગેશ જોશીએ નાગરિકો દ્વારા આર.ટી.આઈ. હેઠળ માંગવામાં આવતી વિગતોનો સમયસર જવાબ ઉપરાંત મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી આવતા લોક ફરિયાદ અને રાઈટ ટૂ સીએમ અન્વયેની અરજીઓ પરત્વેની ત્વરિત કાર્યવાહી માટે જિલ્લાના અધિકારીઓને માહિતગાર કર્યા હતાં.