International

પાકિસ્તાને લાહોરમાં અનેક શેરીઓના નામ પુન:સ્થાપિત કરવાની યોજનાને મંજૂરી આપી

પાકિસ્તાનની પંજાબ સરકારે લાહોરમાં અનેક શેરીઓ અને રસ્તાઓના નામ પુન:સ્થાપિત કરવાની યોજનાને મંજૂરી આપી છે, જેનો હેતુ શહેરના ભાગલા પહેલાના વારસાને પુનર્જીવિત કરવાનો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા દાયકાઓમાં લાહોરમાં અનેક ઐતિહાસિક શેરીઓ, ગલીઓ અને રસ્તાઓના નામ બદલીને બ્રિટિશ યુગ અને હિન્દુ-સંબંધિત નામોને ઇસ્લામિક, પાકિસ્તાની અથવા સ્થાનિક વ્યક્તિઓના નામો સાથે બદલવામાં આવ્યા હતા.

પંજાબ કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી હતી

“થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી મરિયમ નવાઝની અધ્યક્ષતામાં મળેલી પંજાબ કેબિનેટની બેઠકમાં લાહોર અને તેના પડોશની વિવિધ શેરીઓ અને રસ્તાઓના મૂળ અને ઐતિહાસિક નામો પુન:સ્થાપિત કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી,” પંજાબ સરકારના એક અધિકારીએ મીડિયા સૂત્રોને જણાવ્યું હતું.

આ ઐતિહાસિક શહેરની સાંસ્કૃતિક ઓળખ અને વારસાને પુનર્જીવિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પહેલ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ દ્વારા કરવામાં આવી છે, જે લાહોર હેરિટેજ એરિયાઝ રિવાઇવલ પ્રોજેક્ટના વડા પણ છે. તેમના પ્રસ્તાવને ગયા અઠવાડિયે કેબિનેટની મંજૂરી મળી હતી.

લાહોરમાં ઐતિહાસિક શેરીઓના નામ ભૂતકાળમાં બદલવામાં આવ્યા હતા

લાહોરમાં ઐતિહાસિક શેરીઓ અને રસ્તાઓ જે ભૂતકાળમાં ક્રમિક સરકારો દ્વારા બદલવામાં આવ્યા હતા તેમાં ક્વીન્સ રોડ, જેલ રોડ, ડેવિસ રોડ, લોરેન્સ રોડ, એમ્પ્રેસ રોડ, કૃષ્ણ નગર, સંતનગર, ધરમપુરા, બ્રાન્ડ્રેથ રોડ, રામ ગલી, ટેમ્પબેલ સ્ટ્રીટ, લક્ષ્મી ચોક, જૈન મંદિર રોડ, કુંભારપુરા, મોહન લાલ બજાર, સુંદરદાસ રોડ, ભગવાન પુરા, શાંતિ નગર અને આઉટફોલ રોડનો સમાવેશ થાય છે.

શરીફે મિન્ટો પાર્ક (ગ્રેટર ઇકબાલ પાર્ક) ખાતે ત્રણ ક્રિકેટ મેદાન અને પરંપરાગત ‘અખાડા‘ (કુસ્તીનો મેદાન) પુન:સ્થાપિત કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે – જેને વ્યાપકપણે નુકસાન નિયંત્રણ વ્યૂહરચના તરીકે જાેવામાં આવી રહ્યો છે.

તેમના ભાઈ, વડા પ્રધાન શેહબાઝ શરીફે ૨૦૧૫ માં પંજાબના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, શહેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ત્રણ ઐતિહાસિક ક્રિકેટ મેદાન, ક્રિકેટ ક્લબ હેઠળના વિસ્તારો અને કુસ્તીના મેદાનને તોડી પાડવા બદલ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હક જેવા ઘણા ક્રિકેટરોને મિન્ટો પાર્કમાં આ ક્રિકેટ ક્લબમાં તાલીમ આપવામાં આવી હતી. ભાગલા પહેલા ભારતીય ક્રિકેટર લાલા અમરનાથ પણ આ ક્લબોમાં તાલીમ માટે જતા હતા. ૧૯૭૮માં જ્યારે અમરનાથ ભારતીય ક્રિકેટ ટીમ સાથે લાહોરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓ મિન્ટો પાર્ક ગયા હતા અને ક્રેસન્ટ ક્રિકેટ ક્લબના ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો, જેમાં તેઓ ભાગલા પડ્યા ત્યાં સુધી રમતા હતા.

મિન્ટો પાર્કમાં તોડી પાડવામાં આવેલા કુસ્તીના મેદાનમાં એક સમયે ગુંગા પહેલવાન, ઇમામ બખ્શ અને ગામા પહેલવાન જેવા અનુભવી ખેલાડીઓ દ્વારા મુકાબલા થતા હતા. ભાગલા પહેલા, હિન્દુઓ મિન્ટો પાર્કમાં દશેરાનો તહેવાર ઉજવતા હતા.