શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના મકાનમાંથી 21 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાની ઘટના સામે આવી છે. પરિવાર અમેરિકામાં સ્થાયી હોવાથી સમયાંતરે અમદાવાદ આવતો હતો. જોકે ઘરમાં રાખેલા વડીલોપાર્જીત દાગીના રહસ્યમય રીતે ગાયબ થતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમેરિકામાં મોટેલનો વ્યવસાય અખબારનગર ખાતે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી પ્રીતિબેન ભટ્ટે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પ્રીતિબેનના પતિ દેવાંગભાઈ ભટ્ટ અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરે છે અને પરિવાર છેલ્લા ઘણા સમયથી અમેરિકા સ્થાયી છે. તેમ છતાં અમદાવાદમાં પોતાનું રહેણાંક મકાન હોવાથી બંને સમયાંતરે આવતા રહે છે. પ્રીતિબેન જ્યારે પણ અમેરિકાથી અમદાવાદ આવે ત્યારે ઘરની સાફસફાઈ માટે પાયલ પરમાર નામની મહિલાને બોલાવતા હતા.
ગત વર્ષના જુલાઈ મહિનામાં પ્રીતિ બેન પોતાના પતિ દેવાંગભાઈ સાથે અમદાવાદ આવ્યા હતા. તેઓ જ્યારે અમદાવાદ આવે ત્યારે લોકરમાંથી દાગીના કાઢીને ઉપયોગ કરતા અને પરત અમેરિકા જતી વખતે ફરી લોકરમાં મૂકી દેતા હતા. તે સમયે દેવાંગભાઈએ લોકરમાંથી સોનાના દાગીના કાઢીને પ્રીતિબેનને આપ્યા હતા.પ્રીતિબેને તે દાગીના પોતાના કબાટમાં રાખ્યા હતા.
21 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લીધા તારીખ 16 એપ્રિલ 2026ના રોજ પ્રીતિ બેન અમેરિકાની મુસાફરી માટે સામાન પેક કરી રહ્યા હતા. દરમિયાન તેમની નજર કબાટમાં જતા અંદર રાખેલા સોનાના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.દાગીના ગુમ થયા હોવાની જાણ થતા પ્રીતિ બેને તરત જ સતર્કતાના ભાગરૂપે પોલીસને લેખિતમાં જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ અમેરિકા જવા માટે રવાના થઈ ગયા હતા.
થોડા દિવસો પહેલા પ્રીતિબેન ફરીથી અમેરિકા પરથી અમદાવાદ આવ્યા હતા અને દાગીનાની શોધખોળ કરી હતી. જોકે દાગીના ક્યાંય ન મળતા આખરે ચોરી થયાની શંકા થઈ હતી.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તસ્કરોએ કોઈપણ સમયે ઘરમાં પ્રવેશ કરી અંદાજે 21 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લીધા હતા. સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

