Gujarat

બુટાવદરમાં ડીઝલ સંકટથી ખેડૂતો પરેશાન: વહેલી સવારથી 2 કિમી લાંબી ટ્રેક્ટરની લાઈન

જામનગર જિલ્લાના બુટાવદર પંથકમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ખેતીની સિઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે જ અહીં ડીઝલ અને ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. ઇંધણ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી 2 કિલોમીટર લાંબી ટ્રેક્ટરની લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. જો સમયસર ખાતર અને ડીઝલ નહીં મળે તો વાવણી નિષ્ફળ જઈ શકે છે. તંત્ર વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે.

ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ પોતાના વાહનો લઈને લાંબી કતારોમાં ઊભા રહી જાય છે. આ કતારોમાં માત્ર ટ્રેક્ટર જેવા વાહનો જ નહીં, પરંતુ ડીઝલ ભરવા માટે 500 જેટલા કેરબાઓ પણ ગોઠવીને ખેડૂતો પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે એકતરફ વાવણી અને ખેતીનો મહત્વનો સમય ચાલી રહ્યો છે, ત્યારે જ ડીઝલ અને ખાતર બંનેની અછત વર્તાઈ રહી છે. જો સમયસર ડીઝલ અને ખાતર નહીં મળે તો ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.