Gujarat

જામનગરની કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસનો સકંજો

જામનગરમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત સાયચા ગેંગ વિરુદ્ધ પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક (GUJCTOC) ના ગંભીર ગુનામાં ઝડપાયેલા સાયચા ગેંગના 6 મુખ્ય સાગરીતોને પોલીસે ખાસ અદાલતમાં રજૂ કર્યા હતા.

સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે તમામ આરોપીઓના આગામી તારીખ 29 સુધીના (સાત દિવસના) પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે. પોલીસે ગુનાની તપાસ અને ગેંગના અન્ય નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

પોલીસના સકંજામાં આવેલા અને હાલ રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓના નામ આ મુજબ છે: ગુલામ જુસબભાઇ સાયચા, મહેબુબ જુસબભાઇ સાયચા, અસગર જુસબભાઇ સાયચા, હનીફ નુરમામદભાઇ સાયચા, ઇમ્તીયાઝ નુરમામદભાઇ સાયચા અને રજાક દાઉદભાઇ ચાવડા (ઉર્ફે ‘રજાક સોપારી’).

આગામી તારીખ 29 સુધી તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં રહેશે. રિમાન્ડ દરમિયાન પોલીસ આ ગેંગ દ્વારા આચરવામાં આવેલી અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ, નાણાકીય વ્યવહારો અને તેમને આશ્રય આપનારા અન્ય મદદગારો અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરીને વધુ ખુલાસાઓ મેળવશે.