Gujarat

જામનગર ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ પર આંશિક કાબૂ

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટ પર છેલ્લા 3 દિવસથી સળગી રહેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે આજે વહેલી સવારથી નવી વ્યૂહરચના હેઠળ કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગની આ નવી વ્યૂહાત્મક ગોઠવણના પરિણામે આગ પર અંદાજે 80% જેટલો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

ડમ્પિંગ સાઇટ પર કચરાના વિશાળ ઢગલાઓ અંદરથી સતત ધુંધવાતા રહેતા હોવાના કારણે આગ બુઝાવવાની કામગીરી અત્યંત મુશ્કેલ બની રહી હતી. આ પડકારજનક સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વહેલી સવારે સ્થળ પર પહોંચી આગને ચારેય તરફથી ઘેરીને કાબૂમાં લેવા માટે નવું આયોજન કર્યું હતું.

5 ફાયર ઓફિસરોની ટીમ મોરચે: 55થી વધુ ગાડીઓનો મારો મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ફાયર ઓફિસર જે.બી. રાણા, અનવર ગજ્જણ, ઉમેદ ગામેતી, જયંતિ ડામોર અને કામિલ મહેતા સહિતની પાંચ સભ્યોની ઓફિસર ટીમે મોરચો સંભાળ્યો હતો. આ ટીમે સતત પાણીનો મારો ચલાવી કચરાની અંદર રહેલી સુપ્ત આગને બુઝાવવાના સઘન પ્રયાસો કર્યા છે. છેલ્લા 3 દિવસ દરમિયાન કુલ 55 જેટલા ફાયર ફાઇટર વાહનો દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે.

આગ ઓલવવાની કામગીરીમાં પાણીની અછત ન સર્જાય અને સતત પુરવઠો જળવાઈ રહે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુલાબનગર પાણીના ટાંકાથી લઈને ડમ્પિંગ પોઇન્ટ સુધી અંદાજે 300 મીટર લાંબી પાઇપલાઇન લંબાવવામાં આવી છે, જેનાથી સતત પાણીનો સપ્લાય મળી રહ્યો છે.