જામનગર જિલ્લાના લાલપુર પંથકમાંથી ગત મોડી રાત્રે હિન્દુ સેનાના ગૌરક્ષા વિભાગે કતલખાને લઈ જવાતા 13 ગૌવંશને બચાવ્યા હતા. આ કાર્યવાહી રાજકોટ ગૌરક્ષા પ્રમુખ કાનાભાઈ ભરવાડને મળેલી બાતમીના આધારે કરવામાં આવી હતી.
ગુજરાતમાં ગૌવંશને કતલખાને લઈ જવાના બનાવો વધી રહ્યા છે. લાલપુર પંથકમાં ગૌવંશને વેચવાનું અને કતલખાને પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની માહિતી કાનાભાઈ ભરવાડને મળી હતી. આ બાતમીના આધારે જામનગર શહેર હિન્દુ સેના યુવા ઉપપ્રમુખ હિરેન ચંદન, જામનગર જિલ્લા ગૌરક્ષા પ્રમુખ નયન પટેલ, શહેર ગૌરક્ષા પ્રમુખ કુમાર ચાવલા અને જિલ્લા પ્રભારી કિશન નંદા સહિતના હિન્દુ સેનાના સૈનિકોએ બચાવ કાર્યમાં ભાગ લીધો હતો.
ગૌવંશને કોઈ વાહનમાં નહીં, પરંતુ જંગલ વિસ્તારમાં ખુલ્લામાં બાંધી રાખવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વેચાણ કરીને કતલખાને મોકલવામાં આવતા હતા. હિન્દુ સેના ગુજરાત યુવા પ્રમુખની ખાસ હાજરીમાં આ 13 ગૌવંશને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા હતા. બચાવેલા ગૌવંશને બેડ ગામના ગૌભક્ત યશપાલસિંહની મદદથી તેમના ટ્રકમાં લાલપુરથી ખંભાળિયા પહોંચાડવામાં આવ્યા હતા. ખંભાળિયા ખાતે હિન્દુ સેના શહેર પ્રમુખ દેસુરભાઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા ગૌવંશને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

