Gujarat

અમદાવાદમાં ચાર મિત્રોએ ચોરીનો પ્લાન ઘડી આંગડિયા પેઢીમાં નોકરી લાગ્યા

મોજ-શોખ કરવા, બ્રાંડેડ વસ્તુઓ ખરીદવા અને વિદેશ પ્રવાસ કરવા માટે ચાર મિત્રોએ ચોરીનું ષડયંત્ર રચ્યું અને આંગડિયા પેઢીમાં નોકરી લાગી 80 લાખની ચાંદીની ચોરી કરી. મામલો થાળે પડી જાય ત્યાં સુધી મુખ્ય સૂત્રધાર ભૂગર્ભમાં ઉતરી ગયો અને તેના બે સાગરીતો ચાંદી વેચીને રોકડા રૂપિયા મેળવવા માટે માણેક ચોકમાં આવ્યા અને ઝડપાઈ ગયા. પોલીસે 80 લાખની ચાંદી સાથે બંનેને ઝડપી લીધા અને મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

ચાંદીની ડિલિવરી કરવા ગયો ને તક મળતા ફરાર થયો સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં એસીપી હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, રતનપોળમાં આવેલી એચ. પ્રવીણકુમાર આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જીગરસિંહ વિહોલ લાખો રૂપિયાની ચાંદી અને દાગીના ડિલિવરી આપવા માટે ગયો હતો, પરંતુ તક મળતાં જ તે લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.

બે શખ્સો ચાંદી વેચવા અમદાવાદ આવ્યાની બાતમી મળી બીજી તરફ ડીસીપી ઝોન-3 રૂપલ સોલંકી અને એસીપી હિરેન્દ્ર ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે આ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બે શખ્સ અમદાવાદ આવ્યા છે. જેના આધારે પોલીસે અજય ઠાકોર અને દીપક રાવળને ઝડપી લઇ તેમની પાસેથી 80 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

જેમની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, જીગરસિંહ ચોરીનો તમામ મુદ્દામાલ લઈને દીપકના ઘરે સુણવાળા ગામ પહોંચ્યો હતો. ત્યાં જીગરસિંહ, અજય, દીપક અને વિપુલ ઠાકોર ભેગા થયા હતા. ત્યારબાદ જીગરે તમામ દાગીના અજય અને દીપકને સોંપી દીધા હતા અને પોતે ફરાર થઈ ગયો હતો. ચોરીના દાગીના વેચી રૂપિયા ભેગા કરવાની જવાબદારી અજય અને દીપકને સોંપવામાં આવી હતી.

વિપુલે જ જીગરસિંહને નોકરીએ રાખાવ્યો હતો પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ એકબીજાના પરિચિત હતા અને આસપાસના ગામના રહેવાસી હોવાથી અગાઉથી સંપર્કમાં હતા. વિપુલ ઠાકોરે જ જીગરસિંહને આંગડિયા પેઢીમાં નોકરીએ રાખાવ્યો હતો. વિપુલ પોતે પણ અગાઉ આંગડિયા પેઢીમાં કામ કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.