Gujarat

ગીરમાં સિંહ જોવા ગેરકાયદે પ્રવેશ, ત્રણ ઝડપાયા

ગીરના જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર ત્રણ ઇસમોને વન વિભાગે ઝડપી પાડ્યા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કુલ 75,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઘટના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી બીટના જંગલ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે બની હતી. વન વિભાગની ટીમે ઋત્વિક રામાનંદી, બ્રિજેશ રામ અને સંજય નાધેરા (રહે. તમામ પ્રાંચી ઘંટીયા) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા.

વન્યજીવોની સુરક્ષા અને જંગલ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ ઇસમો જોવા મળ્યા હતા. પૂછપરછમાં તેમણે સિંહ જોવા માટે જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યાનું કબૂલ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી નાયબ વન સંરક્ષક, જૂનાગઢ, મદદનીશ વન સંરક્ષક, વેરાવળ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વેરાવળના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા રાઉન્ડ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે ગીરના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો એ કાયદેસર ગુનો છે. વન્યજીવોને નજીકથી જોવાની લાલચમાં પોતાની અને વન્યપ્રાણીઓની સુરક્ષાને જોખમમાં ન મૂકવા અને જંગલ સંબંધિત નિયમોનું પાલન કરવા જણાવાયું છે.