વડોદરા શહેરના મદનઝાંપા રોડ પર જૂની અદાવતને લઈને એક જ કોમના બે જૂથ આમને-સામને આવી જતા મારામારી થઈ ગઈ હતી. લાકડાના દંડાથી હુમલો થતાં બંને પક્ષના લોકોને ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ બંને પક્ષોએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના દુધવાલા મહોલ્લામાં મદનઝાંપા રોડ પર રહેતા અને ન્યાયમંદિર પાસે પ્લમ્બિંગની દુકાન ચલાવતા તાહીરહુસૈન મોહમ્મદહુસૈન ગાદીવાલા (ઉ.વ.34)એ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈ તા. 25 મેના રોજ રાત્રે આશરે 10:30 વાગ્યે તેઓ તેમના મિત્રો મોહમ્મદફારુક સિદ્દીકભાઈ ગાદીવાલા અને અયાઝ રફિકભાઈ નસુકવાલા સાથે રજવાડી ચાની દુકાન પાસે ગાંધી ઝેરોક્ષ નજીક ઉભા હતા.
આ દરમિયાન સમીર સોયેબ ઇલાયચીવાલા અને સોયેબ ઇસ્માઈલ ઇલાયચીવાલા ઓટો રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા. જૂની અદાવતના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. ફરિયાદ મુજબ, સમીર ઇલાયચીવાલાએ રિક્ષામાંથી લાકડાનો દંડો કાઢી તાહીરહુસૈનના જમણા હાથની કોણી પાસે માર મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઝઘડા દરમિયાન નુહ ઇમ્તિયાઝ છેલાવાલા (ઉ.વ.15)ને માથાના ભાગે ઇજા પહોંચી હતી. લોકો ભેગા થતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
બીજી તરફ, ડી.સી.બી. ઓફિસ પાસે ભદ્ર કચેરી રોડ પર રહેતા અને પોર્ટર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા સમીર સોયેબ ઇલાયચીવાલા (ઉ.વ.20)એ પણ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તેમના પિતા સોયેબ ઇસ્માઈલ ઇલાયચીવાલા સાથે રિક્ષા લઈને ભગતસિંહ ચોક પાસે ચા પીવા આવ્યા હતા અને ગાંધી ઝેરોક્ષ પાસે લુકમાન યાકુબવાલા સાથે વાતચીત કરી રહ્યા હતા.
તે દરમિયાન તાહીરહુસૈન ગાદીવાલા, મોહમ્મદફારુક ગાદીવાલા અને અયાઝ નસુકવાલા જૂની અદાવત રાખી ત્યાં આવ્યા હતા અને ગાળાગાળી કરીને મારામારી શરૂ કરી હતી.

