Gujarat

યુવતીને ભગાડી જવાના મનદુખમાં ટોળાએ હુલ્લડ મચાવ્યું; મહિલા પર પાઈપથી હુમલો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મુદ્દે મોડી રાત્રે હુમલાની ઘટના બની છે. યુવક અને યુવતી ઘરેથી સાથે જતા રહેવાના મનદુખમાં સાત જેટલી ગાડીઓમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ ગામમાં હુલ્લડ મચાવી હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી મથુરભાઈ લાલજીભાઈ માલા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કુટુંબી મહેશભાઈ મોહનભાઈ ગરચરને વીરવાવ ગામની ઋષિકાબેન સાથે પ્રેમ સંબંધ હતો. બંને પોતપોતાના ઘરેથી સાથે જતા રહ્યા હતા. આ મુદ્દે સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જ્યાં ચર્ચા દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી.

આ ઘટના બાદ રાત્રિના સમયે આરોપી ભરતભાઈ કરણાભાઈ ઝાપડાએ ફોન કરીને ધમકી આપી હતી કે, “અમે લોકો ગામમાં આવીએ છીએ, તૈયાર રહેજો.” ત્યારબાદ મધરાત્રિએ સફેદ બ્રેઝા, વેન, સ્કોર્પિયો, બોલેરો, આઈ-ટ્વેન્ટી અને સ્વિફ્ટ સહિતની સાત જેટલી ગાડીઓમાં આશરે પંદરથી વીસ લોકો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા.

ટોળાએ ગામમાં બેફામ ગાળો બોલી લોકોના ઘરના દરવાજા ખખડાવ્યા હતા અને બહાર નીકળવા ધમકાવ્યા હતા. થોડા સમય બાદ ટોળું ફરી પરત આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીની બહેન કુંજલબેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ભરતભાઈ ઝાપડાએ લોખંડના પાઈપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચવા જતા પાઈપ કપાળ ઉપર વાગતા કુંજલબેનને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે પ્રથમ કાલાવડ સરકારી દવાખાને અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.