Gujarat

ભુતેશ્વરમાં વર્ષ જૂના વેરની વસૂલાત માટે જીવલેણ અકસ્માત સર્જી યુવકની હત્યા

ભાવનગર જીલ્લાના ભુતેશ્વર ગામમાં જૂની અદાવત અને વેરભાવ રાખીને એક શખ્સે જાણીજોઈને ઈકો ગાડી મોટરસાયકલ સાથે ભટકાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો, આ કરુણ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે એક વર્ષ જૂના ખૂન કેસનો બદલો લેવા માટે ફિલ્મી ઢબે અકસ્માત સર્જી હત્યા કરવામાં આવી હોવાનું ફરિયાદ ઘોઘા પોલીસ મથકે નોંધાવા પામી છે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે,

આ બનાવ અંગે ઘોઘા પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા ના ભુતેશ્વર ગામના વતની હાર્દિક બટુકભાઈ કંટારીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમના મિત્ર સુનિલ કંટારીયા ભૂતકાળમાં ગામના જ પિયુષ મંગાભાઈ કંટારીયાના ખૂન કેસમાં જેલમાં હતા, હાર્દિક હાલ જામીન પર મુક્ત થયેલ છે, જ્યારે સુનિલ હજુ પણ જેલમાં છે ગતરોજ સુનિલને જેલમાંથી હોસ્પિટલના જાપ્તા હેઠળ સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, આથી હાર્દિક તેમના મિત્રો શાંતિ ઘેલાભાઈ કંટારીયા અને રોનક ગાંડાભાઈ કંટારીયા સાથે એક્ટિવા મોટરસાયકલ નંબર GJ-04-DG-3702 પર સુનિલને મળવા માટે હોસ્પિટલ આવ્યા હતા,

હોસ્પિટલેથી મળીને ત્રણેય મિત્રો ડી-માર્ટ મોલમાં ગયા હતા અને ત્યાંથી પરત ઘરે જતી વખતે સાંજના આશરે ચારેક વાગ્યે અવાણીયા પીટીયાથી પીપળીયા પુલ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન પીપળીયા પુલ તરફથી પિયુષના ભાઈ હસમુખ ઉર્ફે શીશો મંગાભાઈ કંટારીયા પોતાની ઈકો ગાડી નંબર GJ-04-DN-9337 ખૂબ જ ઝડપે અને રોંગ સાઈડમાં ચલાવી લાવ્યા હતા, ફરિયાદમાં જણાવ્યા મુજબ હસમુખએ બદલાની ભાવનાથી જીવથી મારી નાખવાના ઈરાદા સાથે ઈકો ગાડી એક્ટિવા સાથે ધડાકાભેર ભટકાવી દીધી હતી અને એક્ટિવા સહિત ત્રણેય મિત્રોને રોડ ઉપર આશરે 100 ફૂટ જેટલા ઢસડ્યા હતા, આ ગંભીર અકસ્માત સર્જી આરોપી હસમુખ પોતાની ઈકો ગાડી ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.

અકસ્માતમાં શાંતિ ઘેલાભાઈ કંટારીયાને મોઢાના ભાગે, બંને હાથે અને પગે અત્યંત ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ તેમનું કરુણ અવસાન થયું હતું. જ્યારે ફરિયાદી હાર્દિક અને રોનકને શરીરે અને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાર્દિકની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે અને રોનકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે,