વડોદરા શહેર પાણીગેટ પોલીસની ટીમ અને ઝોન-3 LCB ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી, આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પાણીગેટ પોલીસ અને ઝોન-3 LCB ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે આરોપીઓ પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં બે દિવસના બંને આરોપીઓના રિમાન્ડ લેવામાં આવ્યા છે. જેમાં આ ગાંજો ક્યાંથી લાવતા હતા. કઈ રીતે તેનું વેચાણ કરતા હતા. આવકમાંથી કોઈ સંપતિ વસાવી છે કે કેમ તે તમામ બાબતોની ચકાસણી કરવામાં આવશે.
શું હતો સમગ્ર મામલો? એલસીબી ઝોન-3 અને પાણીગેટ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાથીખાના રોડ પર, ચબુતરાથી આગળ શ્રીહરિ હરેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલી ગલીમાં સર્વોદય કોમ્પ્લેક્સના ચોથા માળે રૂમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી ગેરકાયદેસર રીતે ગાંજાનો સંગ્રહ કરી વેચાણ કરતા બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ.63,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના સફેદ મીણીયાના કોથળા જપ્ત કર્યા હતા. આ કાર્યવાહીમાં આરોપી શંકરભાઈ છગનભાઈ પાટણવાડીયા (રહે- રૂમ નં-21, સર્વોદય એપાર્ટમેન્ટ, હાથીખાના રોડ, વાડી, વડોદરા શહેર) , હાર્દિક ચંદ્રકાંતસિંહ વસાવા (રહે- ભાથુજીનગર ઝૂંપડપટ્ટી, ત્રીજી નંબરની ગલી, ડી-માર્ટ સામે, વાઘોડિયા રોડ, વડોદરા શહેર) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જીગ્નેશ માછી (રહે- હરીયાળી હોટેલ પાસે, વડોદરા શહેર ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

