જામનગર LCB પોલીસે લાલપુર અને કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કીના કેબલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹1,77,660/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ગેંગ પવનચક્કીના કિંમતી કોપર કેબલ વાયરની ચોરી કરતી હતી. LCBએ સઘન તપાસ બાદ દિગ્વિજય પ્લોટ-૪૯, રામ સાયકલ સ્ટોર પાસેથી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS) અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા (IPS) ના આદેશો બાદ, LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમો કામે લાગી હતી. LCBના પીએસઆઈ એમ.વી.ભાટીયા અને સ્ટાફે ટેકનિકલ સોર્સિસ, સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં હાજીભાઈ આદમભાઈ ખફી (ઉંમર ૩૦, રહે. મસીતીયા ગામ, જામનગર), ઇરફાનભાઈ અબ્બાસભાઈ જુસબભાઈ ખફી (ઉંમર ૩૧, રહે. મતિયા ગામ, જામનગર) અને ભરતભાઈ હરસુખભાઈ જગુભાઈ ચૌહાણ (ઉંમર ૨૬, રહે. દિગ્વિજય પ્લોટ, જામનગર) નો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી ભરત ચૌહાણ અને હાજીભાઈ ખફી અગાઉ પણ શેઢવડાદર અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ભાણાજી ઉર્ફે ભરત ભાનુશાલી (રહે. વિશ્રામવાડી) અને હરેશ ભાનુશાલી (રહે. જામનગર) હાલ ફરાર છે. પોલીસે આ બંને ભાગેડુઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

