Gujarat

નેપાળથી ગાંધીનગર સુધી ગાંજાના નેટવર્કનો પર્દાફાશ

ગાંધીનગર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય ગાંજાના હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નેપાળથી ટ્રેન માર્ગે બિહાર અને ત્યારબાદ ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવેલા ગાંજાના જથ્થાને પોલીસે જેઠલજ ગામની સીમમાં રેલ્વે નાળા પાસેથી પકડી પાડ્યો છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂ.2.34 લાખની કિંમતનો 4 કિલો 680 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને દબોચ્યા ગાંધીનગર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ધ્વારા નેપાળથી ગાંધીનગર સુધી ગાંજાના નેટવર્ક પર્દાફાશ કરી સપાટો બોલાવી દેવામાં આવ્યો છે.પોલીસે બાતમી મળી હતી કે,સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારના જેઠલજ ગામની સીમમાં રેલ્વે નાળા પાસે ગાંજાના જથ્થાની ડિલિવરી થવાની છે.

જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણ ઇસમોને દબોચી લીધા હતા. જોકે સ્થળ પર આરોપીની પૂછતાછ શકય નહીં હોવાથી તેઓને જેઠલજ પંચાયત કચેરી લઇ જવાયા હતા.

નેપાળથી ગાંજો ટ્રેન માર્ગે બિહાર લાવ્યા હતા પરંતુ પોલીસ કાર્યવાહી દરમિયાન પંચાયત કચેરીનો વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાઈ ટીમ મુઝવણમાં મુકાઈ ગઈ હતી.આથી નાછૂટકે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ મુદ્દામાલ સાથે આરોપીઓને લઈને સાંતેજ પોલીસ મથકે પહોંચી હતી.

આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ચંદ્રેશ્વર પ્રસાદ યોગેન્દ્ર મહતો અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર થોડા દિવસો પૂર્વે જ નેપાળથી અજાણ્યા વ્યક્તિ પાસેથી આ ગાંજો ટ્રેનમાં બિહાર લાવ્યા હતા. તેઓ ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરી આ માદક પદાર્થ જેઠલજ ગામના શુભમ દેવાભાઈ સેનવાને પહોંચાડવા આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો શુભમ અન્ય બે વોન્ટેડ આરોપીઓ સુધી પહોચતો કરવાનો હતો.