Gujarat

આણંદના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી

આણંદ જિલ્લાના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બ્રિજના બે મુખ્ય પિલર વચ્ચેનો સ્પાન તૂટી પડ્યો હતો. સદનસીબે, દુર્ઘટના સમયે ઘટનાસ્થળે કોઈ કામદાર કે વાહન હાજર ન હોવાથી કોઈ જાનહાની કે ઇજા થઈ નથી, જેના કારણે મોટી હોનારત ટળી છે.

આણંદના અડાસ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડવાની ગંભીર ઘટના બાદ રેલવે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આ મામલાને રેલવે મંત્રાલયે અત્યંત ગંભીરતાથી લીધો છે, જેના પગલે વડોદરાના ડીઆરએમ (ડ્ઢઇસ્) રાજુ ભડકે કડક એક્શન મોડમાં આવ્યા છે. દુર્ઘટનાની ગંભીરતાને જાેતાં ડિવિઝનલ રેલવે મેનેજર (ડ્ઢઇસ્) સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ મામલે ઉચ્ચ સ્તરીય ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી છે અને દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

વડોદ અને અડાસ સ્ટેશનની વચ્ચે ફાટક નંબર ૨૫૦ પર રોડ ઓવરબ્રિજ બનાવવાનું કામ વડોદરાના ગતિશક્તિ યુનિટ દ્વારા ચાલી રહ્યું હતું. આ બ્રિજનું નિર્માણ પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યું હતું. ટેકનિકલ વિગતો અનુસાર, બ્રિજના બે મુખ્ય થાંભલા (પીયર) પર આવેલ પીયર કેપના ભાગ પર જે ગર્ડર ગોઠવવામાં આવ્યું હતું, તે અચાનક કડાકાભેર નીચે તૂટી પડ્યું. સામાન્ય રીતે, પીયર કેપ એ પીયરનો મજબૂત ઉપરનો હિસ્સો હોય છે જેના પર આખા ગર્ડરનો ભાગ ટકેલો હોય છે. આ કિસ્સામાં, ગર્ડર બે પીયર વચ્ચેથી જમીનદોસ્ત થઈ ગયું, જે સ્પષ્ટપણે નિર્માણની ખામી સૂચવે છે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. સ્થાનિકોએ એજન્સીની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે, “આ ગર્ડર એવી રીતે તૂટી પડી કે જાણે ભૂકંપ આવ્યો હોય. સારું હતું કે નીચે કોઈ કામ કરવાવાળા કે અમારા ગ્રામજનોમાંથી કોઈ હાજર નહોતું, નહીં તો આજે એટલી મોટી જાનહાની થાત કે રોકકડ કરી મૂકી હોત.” સ્થાનિકોએ અગાઉ પણ એજન્સી સમક્ષ ૨૦૦૦ જેટલી સહીઓ સાથે સર્વિસ રોડ આપવા સહિતની રજૂઆતો કરી હતી, પરંતુ એજન્સી તેમની મનમાની કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

એન્જિનિયરિંગ ક્ષેત્રે આ દુર્ઘટનાએ મોટો સવાલ ખડો કર્યો છે કારણ કે આ બ્રિજનું કામ કોઈ જૂની પુરાણી પદ્ધતિથી નહીં, પરંતુ આધુનિક ગણાતી ‘પ્રીસ્ટેડ ગર્ડર બ્રિજ ટેકનોલોજી‘ થી થઈ રહ્યું હતું. બ્રિજના બે મુખ્ય પિલર પર જે ‘પીયર કેપ‘ (પિલરનો સૌથી મજબૂત ઉપરનો ભાગ જેના પર આખો લોડ હોય છે) બનાવવામાં આવી હતી, તેના પર ગોઠવેલું ગર્ડર અચાનક તૂટી પડ્યું હતું. પીયર કેપ પરથી ગર્ડરનું આ રીતે નમી પડવું કે કકડભૂસ થઈ જવું એ બાંધકામની ગુણવત્તામાં ગંભીર ખામી અથવા તો એન્જિનિયરિંગ ગણતરીમાં થયેલી મોટી ભૂલ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.