Gujarat

જામનગરમાં ઓખાના આધેડ પાસેથી 15 લાખની લૂંટ

જામનગર શહેરમાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જી.જી. હોસ્પિટલ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલના પાછળના ગેટ પાસે એક આધેડ અને તેમના પરિવારને નિશાન બનાવી ₹15 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. ઓખાના વતની એવા આ આધેડને સોનાની માળા ખરીદવાની લાલચ આપી લૂંટારુઓ રોકડ ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા.

સોનાના સોદાના બહાને રચાયું મોટું ષડયંત્ર મળતી માહિતી મુજબ, ભોગ બનનાર આધેડ સાથે આરોપીઓએ ₹15 લાખની કિંમતી સોનાની માળાનો સોદો નક્કી કર્યો હતો. જો કે, આરોપીઓનો ઈરાદો અસલી સોદો કરવાનો નહીં, પરંતુ નકલી માળા પધરાવીને મોટી રકમ પડાવી લેવાનો હતો. જી.જી. હોસ્પિટલ રોડ પર જ્યારે બંને પક્ષો સોદો પૂરો કરવા ભેગા થયા, ત્યારે ખરીદદારે માળા અસલી છે કે નકલી તે તપાસવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ખૂનના કેસમાં ફસાવી દઈશું કહીને ધમકાવ્યા અને બેગ ઝૂંટવી લીધી ભોગ બનનારે જેમ જ સોનાની માળા તપાસવાની વાત કરી, કે તરત જ આરોપીઓએ પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. તેમણે આસપાસ બૂમાબૂમ કરીને ભયનું વાતાવરણ ઊભું કરી દીધું અને ધમકી આપતા કહ્યું કે, “જો દર્દી મરી જશે તો તમને ખૂનના કેસમાં ફસાવી દેશું.”

આટલું જ નહીં, આરોપીઓએ આધેડ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ પણ આપી હતી. પરિવાર આ અચાનક બનેલી ઘટનાથી ડર અને મૂંઝવણમાં મુકાઈ ગયો, જેનો ફાયદો ઉઠાવી મુખ્ય આરોપી ધના પરમાર અને વિજય નામના શખ્સો ₹15 લાખ રોકડા ભરેલી બેગ આંચકીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.