જામનગરમાં રૂ. 1.33 કરોડની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી હિતેશભાઈ લક્ષ્મીકાંત ગોહીલને પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આરોપીએ કાપડના વેપારી અને બેન્ક ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપી અનેક લોકોને ઊંચા કમિશનની લાલચ આપી હતી. જામનગર સીટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી છે.
રોકાણ કરવા બદલ આકર્ષક વળતરની લાલચ આપી આ મામલે ગત 24 મે, 2026ના રોજ જામનગર સીટી ‘એ’ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(5) હેઠળ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલા સહિત અન્ય ભોગ બનનારાઓએ પોલીસ ફરિયાદ કરી હતી.
ફરિયાદ મુજબ, વાલકેશ્વરી નગરી, સાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ લક્ષ્મીકાંત ગોહીલે પોતે મોટો કાપડનો વેપાર કરતો હોવાનું અને જાણીતી બેન્કોના ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાવી લોકોને વિશ્વાસમાં લીધા હતા. તેણે આ વ્યવસાયમાં રોકાણ કરવા બદલ આકર્ષક વળતરની લાલચ આપી હતી.
લોકો પાસેથી 1.33 કરોડ ઉઘરાવી લીધા આરોપી હિતેશે લોકો પાસેથી બેન્ક ચેક, ગૂગલ-પે, રોકડ રકમ તેમજ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ.1,33,40,000 (એક કરોડ તેત્રીસ લાખ ચાલીસ હજાર) મેળવી લીધા હતા. રકમ હાથમાં આવ્યા બાદ તેણે વચન મુજબ કોઈ કમિશન કે મૂળ રકમ પરત કરી નહોતી અને રાતોરાત પોતાના પરિવાર સાથે નાસી છૂટ્યો હતો.
નવસારીથી ઝડપી જામનગર લવાયો પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ, લોકેશન ટ્રેકિંગ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આરોપી નવસારી ખાતે છુપાયેલો હોવાનું જાણવા મળ્યું.

